જય શ્રી ક્રિષ્ના 🙏
જયા પાર્વતી વ્રત-કથા,
આ વ્રત અષાઢ સુદ ૧૩ થી આરંભી અષાઢ વદ ત્રીજને દિવસે સમાપ્ત કરવું. આમ આ વ્રત છ દિવસ કરવાનું હોય છે. દરેક દિવસે ગોળ અને મીઠા વિનાનું ભોજન એક વખત કરવું અને છેલ્લે દિવસે રાત્રે ભગવાનના કીર્તન, ધુન, અને રાસ કરવા જાગરણ આખીયે રાત કરવું. સવારે સ્નાન અને પૂજા કરીને પારણું કરવું.
આ વ્રત કરવાથી બહેનોને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને સૌભગ્યપણું પ્રાપ્ત થાય છે.
ભીષ્મ પિતામહ કહે છે કે હે યુધિષ્ઠિર આ સંબંધમા એક પુરાતની ઈતિહાસ તમારા પ્રત્યે કહું છું સાંભળો.
એક ગામમાં એક બ્રાહ્મણ અને તેના પત્ની રહેતા હતાં, તેનું નામ હતું વામન અને સત્યા નામની એની પત્ની હતી. બંને અતિ દયાળુ સ્વભાવના હતાં. અતિ ભગવાનની ભક્તિ પરાયણ હતાં. પરંતુ તેને એક શેર માટીની ખોટ હોવાથી બને ચિંતામાં હંમેશા રહેતાં હતાં.એવામાં એક વખતે ત્યાં દૈવ ઈચ્છાએ નારદજી પધાર્યા ત્યારે બ્રાહ્મણે તેનો યોગ્ય રીતે આદર સત્કાર કર્યો. પછી તેમની આગળ પોતાની મૂંઝવણ રજૂ કરી ત્યારે નારદજી કહે જે હે વિપ્ર તમો અહીંથી દક્ષિણ દિશામાં જંગલમાં એક શિવ પાર્વતી બીલી પત્રના ઢગલામાં નીચે ઢંકાયેલ છે. તેમની પૂજા કોઈ કરતું નથી. તો તમો એ ભોળાનાથની પૂજા કરો. એ સદાશિવ જરૂર તમારું દુઃખ દૂર કરશે. આમ કહીને નારદજી તો ચાલ્યા ગયા.
પછી તે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ત્યાં જવા માટે પ્રયાણ કર્યું. ચાલતાં ચાલતાં દૂર દૂર એક બિલિના ઝાડ નીચે બિલિપત્રનો મોટો ઢગલો જોયો. બંનેજણાએ એ ઢગલો ખસેડયો તો અંદર શિવ પાર્વતી દેખાયા પછી એ બધી જગ્યા સાફસૂફ કરી નજીક રહેલા તળાવમાંથી પાણી લાવીને છાટ્યું અને શિવ પાર્વતીજીને વિધિ પ્રમાણે સ્નાન પૂજન કરીને બીલીપત્ર ચડાવ્યાં અને પોતે પણ બંને જણાં ભક્તિમાં લાગી ગયાં. એમ કરતાં-કરતાં પાંચ વર્ષો વિતી ગયાં પણ ભોળાનાથ પ્રસન્ન થયા નહિ ત્યારે એમના મનમાં થયું કે પાંચ વર્ષોની નિષ્ફળ જશે?
એમ કરતાં એક વાર બ્રાહ્મણ ફળફૂલ લેવા માટે ગયો. તે પાછો આવ્યો નહી. આથી તેની પત્ની એની શોધમાં ચાલી તો દૂર દૂર એક ઝાડ નીચે મૃત્યુ પામેલા બ્રાહ્મણને જોયો. અને બાજુમાં જ આમતેમ ફરતા એક સાપને જોયો ત્યારે એ બ્રાહ્મણીના મનમાં થયું કે આ સર્પ દંશથી મારો પતિ મૃત્યુ પામ્યો છે એમ વિચારીને રુદન કરવા લાગી. તેવામાં ત્યાં ફરતાં ફરતાં વનદેવીના રૂપમાં મા પાર્વતી દેવી આવ્યા ત્યારે પેલી બ્રાહ્મણીએ વનદેવીને વંદન કરીને પોતાના પતિને સજીવન કરવા માટે પ્રાર્થના કરી. એટલે પાર્વતીજીએ પોતાનો હાથ ફેરવીને તેને સજીવન કર્યો અને નવું જીવન આપ્યું એટલે બ્રાહ્મણે માના ચરણોમાં વંદન કર્યું ત્યારે માતાજીએ એના માથા ઉપર પોતાનો હાથ મૂક્યો અને સારા આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હું તમારી ભકિતથી પ્રસન્ન થઈ છું. માટે તમારે જે માંગવાની ઈચ્છા હોય તે માગો ત્યારે બંને જણાએ પુત્ર પ્રાપ્તિની માંગણી કરી ત્યારે માતાજીએ કહ્યું કે તમેં હું કહું તેમ કરો. તમને જરૂર પુત્ર પ્રાપ્તિ થશે.
તમે જ્યા પાર્વતી વ્રત કરો અને તે કેવી રીતે થાશે…
તે વ્રત અષાઢ સુદ ૧૩ નાં રોજ શરૂ કરીને અષાઢ વદ ૩ ના રોજ સમાપ્ત કરવું. રોજ શિવ–પાર્વતીની બિલિપત્રાદિ વડે પૂજા કરવી. પાંચ દિવસ ગોળ અને મીઠા વિનાનું ભોજન કરવું. છઠ્ઠે દિવસે એક કે વધારે પોતાની શક્તિ પ્રમાણે સૌભાગ્યવંતી સ્ત્રીઓને યથાશક્તિ વસ્ત્રો કે સોભાગ્ય ચિન્હો આપીને છેલ્લી રાત્રીએ જાગરણ કરવું.
આ ઉજવણી દરમ્યાન પોતાના ઇસ્ટદેવના સ્મરણ સાથે કિર્તનો, ભજનો ગાવા. આ વ્રત કરવાથી સ્ત્રીઓનું સોભાગ્ય અખંડ રહે છે. સંતાન પ્રાપ્તિ સુખ શાંતિ અને ઈચ્છિત સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આમ કહીને માતાજી અંતધ્યાન થઇ ગયાં.
પછી એ બ્રાહ્મણીએ એ વ્રત પાર્વતી માતાના કહેવા પ્રમાણે કર્યું. એ વ્રતના પ્રભાવથી એમને અતિરૂપવાન પુત્ર પ્રાપ્ત થયો અને અતિ આનંદ થયો અને એ બ્રાહ્મણ, બ્રાહ્મણીનું જીવન આનંદથી વ્યતીત થવા લાગ્યું.
ભીષ્મ કહે છે કે હે રાજન આવો પ્રભાવ છે એ જ્યા પાર્વતી વ્રતનો વિશેષ એ જ વ્રત જો ભગવાનના સબંધથી કરાયેલું હોય તો આ લોકમાં પણ સુખ પ્રાપ્ત થાય અને પરલોકમાં પણ અને અંતે મોક્ષને પામે છે.
તો આવી રીતે જયા પાર્વતીના વ્રત કથા પૂજન વિધિ અને મહિમા હોય છે…
સૌને મારા જાજાથી જય શ્રી ક્રિષ્ના 🙏.